Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળ્યા બાદ તરત જ, તત્કાલિન બૃહદ મુંબઇ રાજ્યના એક સમયના 'અંધારિયા મુલક' તરીકે ઓળખાતા, આહવાના ઐતિહાસિક 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭ મો સ્થાપના દિન ઉજવાઈ ગયો.
દેશના તત્કાલિન ગૃહ પ્રધાન અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નદ્રષ્ટા સ્વ. સરદાર સાહેબ, અને 'વેડછી ના વડલા' તરીકેની ખ્યાતિ ધરાવતા સ્વ.જુગતરામ કાકાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં સેવા અને શિક્ષણની જ્યોત જગાવતા 'બંધુ ત્રિપૂટી' એવા નાયક બંધુ સ્વ. ધીરુભાઈ, છોટુભાઈ, અને ઘેલુભાઇ નાયકે આદરેલા 'સેવા યજ્ઞ' ના માધ્યમ એવા 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭મો સ્થાપના દિવસ તા.૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો.
આ વેળા આશ્રમના વર્તમાન સંચાલકોએ વડીલોએ ચીંધેલા સેવા અને શિક્ષણના પથ પર આગળ વધવાની પ્રતિબદ્ધતા સાથે, સૌને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધુ ત્રિપુટી ઉપરાંત આશ્રમને અકિંચનોની સેવાનુ માધ્યમ બનાવતા 'દાંડી ના દિવડા' એવા કર્મશીલ સ્વ.ગાંડા કાકાના સફળ સંચાલનને પણ સૌએ યાદ કરી, તેમને પણ શબ્દપુષ્પ અર્પણ કર્યા હતા.
ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે વહેલી સવારે ૭:૩૦ થી ૮:૩૦ વાગ્યા દરમિયાન પ્રભાત ફેરી, ત્યાર બાદ સવારે ૯ વાગ્યે 'સ્મૃતિ કુંજ' ખાતે પૂષ્પાંજલિ, સમૂહ પ્રાર્થના, અને ભજન. ત્યાર બાદ 'ઝૂંપડી સમાધિ સ્થળ' ખાતે કુટુંબીજનો અને પરિવારજનો દ્વારા વડીલોને ભાવ અંજલિ, અને ૧૦:૩૦ વાગ્યાથી 'ટિમ્બર હોલ' ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્યાર બાદ રાષ્ટ્ર ગાન વિગેરેનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં આશ્રમ પરિવારના લોકો જોડાયા હતા.
દરમિયાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આહવાના ડૉ.એ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ પરિવારના શ્રી કેતનભાઈ પટેલે સંસ્થાનો ઈતિહાસ ઉજાગર કર્યો હતો. જ્યારે સંસ્થા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન નાયક અને ઉપ પ્રમુખ શ્રી વનરાજભાઈ નાયકે પણ સંસ્થા વિશેની પૂરક માહિતી રજૂ કરી હતી. વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવાના ભાઈઓ અને બહેનોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. સંસ્થાની કન્યા છાત્રાલયની બહેનોએ પણ કાર્યક્રમમો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ ચોર્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શ્રી યોગેશભાઈ માછી દ્વારા કરવામાં આવી હતી.
0 Comments:
Post a Comment