ગાંધીનગરના વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા પોતાના ફાર્મ નેજ કાર્ય શાળા બનાવી દેતા સિહોલી મોટી ગામના ખેડૂત

No Comments
ગાંધીનગરના વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા પોતાના ફાર્મ નેજ કાર્ય શાળા બનાવી દેતા સિહોલી મોટી ગામના ખેડૂત
“પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વાસ્થ્યવર્ધક પાક લોકો સુધી પહોંચાડવો એ ખેડૂત તરીતે આપણી નૈતિક જવાબદારી છે”- નરેન્દ્રભાઈ મંડીર “ખેડૂત ધરતી પુત્ર છે તો તે ધરતી માતાને રાસાયણિક દવાઓ અને ખાતરોથી તકલીફ આપી બંજર શું કામ બનાવે!” - નરેન્દ્રભાઈ મંડીર ગાંધીનગર,શનિવાર “ખેતરમાં રાસાયણિક દવાઓ અને ખાતર વાપરી પકવેલા અનાજ ,શાકભાજી અને ફળોના ઉપયોગથી લોકોને કેન્સર જેવી ભયંકર બીમારી થી ન લડવુ પડે અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ રમત ન થાય માટે પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વાસ્થ્યવર્ધક પાક લોકો સુધી પહોંચાડવો એ ખેડૂત રીતે આપણી નૈતિક જવાબદારી છે.” આવા વિચાર સાથે રાજ્યના પશુપાલન ટેકનિકલ વિભાગ માંથી મદદનીશ તાંત્રિક તરીકે નિવૃત્ત થયેલા શ્રી નરેન્દ્રભાઈ મંડીર પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રયત્નો મહદ અંશે સફળ થયાની ખુશી સાથે તેઓએ ગાંધીનગર તાલુકાની સિહોલી મોટી ગામમાં પોતાના ફાર્મ ‘પ્રાતેનમા’ ખાતેથી અનોખું અભિયાન હાથ ધર્યું છે. નરેન્દ્ર ભાઈ અને તેમના પત્ની નિવૃત્ત જીવન દરમિયાન ગાંધીનગરના વધુ માં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા તથા પ્રાકૃતિક કૃષિથી થતાં ફાયદા સમજાવી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે. સિહોલી મોટી ખાતે આવેલા તેમના 'પ્રાતેનમા' પ્રાકૃતિક ફાર્મ નેજ તેમણે પ્રાકૃતિક કૃષિ માટેની કાર્ય શાળા બનાવી દીધી છે. જ્યાં દર મહિને અંદાજીત ૧૫૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ દરેક ખેડૂતોને ઉલ્લેખી સરસ વાત જણાવે છે કે, “ખેડૂતને ધરતી પુત્ર પણ કહે છે તો તે ધરતી માતાને રાસાયણિક દવાઓ અને ખાતરોથી તકલીફ આપી બંજર શું કામ બનાવે?” આવા પ્રશ્નો દ્વારા તેઓ ખેડૂતોને તેમની જવાબદારીની સમજ આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળી રહ્યા છે. પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ ખાતે તેમણે કોઈપણ જાતની આવકની લાલસા વગર દોઢથી બે વીઘા જમીનને ખેડૂતો માટેની કાર્યશાળા જ બનાવી દીધી છે. જેમાં નરેન્દ્રભાઇ મંડીર સિઝન પ્રમાણે પાકની ક્યારી બનાવી બીજ રોપવાથી માંડી તેની માવજત અને ઉપજ સુધીનું માર્ગદર્શન મુલાકાત લેતા ખેડુતોને આપે છે. આ ઉપરાંત તેમણે ફાર્મમાં ગીર ગાયની ગૌશાળા પણ બનાવી છે. જેમાં પાંચ ગાય છે. જેના ગૌમુત્ર અને ગોબર થકી તેઓ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત કઈ રીતે તૈયાર કરી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા રુબરુ બતાવે છે. નરેન્દ્ર ભાઈ જણાવે છે કે ૨૦૧૯થી શરૂ થયેલી તેમની આ સફરમાં તેમના પત્ની અને બાળકો પણ જોડાયેલા છે, તેમના પ્રોત્સાહન અને સાથ સહકારને કારણે નરેન્દ્રભાઇનો પ્રાકૃતિક કૃષિ માટે કાર્ય કરવાનો જુસ્સો અને ઉત્સાહ બેવડાઈ જાય છે. ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવવા આવતા ખેડૂતોને દરરોજ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરણા પુરી પાડવા ઉપરાંત તેઓ ખેડૂતોના ખેતર સુધી જઈ તેમને ખેતી માટે જરુરી યોજનાઓની માહિતી પણ પુરી પાડે છે.અને મહિને પાંચથી સાત પ્રાકૃતિક શિબીરોમાં ભાગ લઈ અન્યને કંઈક શિખવાડવાની સાથે સાથે પોતે પણ નવું નવું શિખતા રહેતા હોવાનું જણાવે છે. પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જુદા જુદા વિસ્તારના ઘણા ખેડૂતોને તેઓ મળે છે. તેમના સાથેની વાતચીત આધારે તેઓ જણાવે છે કે, મોટા ભાગના ખેડૂતોમાં એવી માન્યતા છે કે પ્રાકૃતિક ખેતી જલદી સફળ થતી નથી અથવા જલદી ઉપજ આપતી નથી. આ માન્યતા તદ્દન ખોટી છે,જો પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત- ઘનજીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્રપાક માટેના નિયમો એકદમ ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો સારું પરિણામ ખુબજ ત્વરિત મળે છે તેમ તેઓ અનુભવને આધારે વિશ્વાસથી કહે છે.

0 Comments:

Post a Comment