Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયાનું બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો.

વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જોવા મળ્યો હતો.તેઓ સવાર સાંજ આરતી, ધૂન,ભજન સમયસર કરતા જોવા મળ્યા હતા. તેમજ રજાના દિવસોમાં ફક્ત ને ફક્ત ગણપતિના સ્થાપનની જગ્યાએ બેસી હવે પછીના કાર્યક્રમોના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યાં હતાં. આ આયોજનમાં બાળકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. બાળકો નાનપણથી વિવિઘ કાર્યક્રમોના આયોજન અંગે માનસિક તૈયારી, બાળકોમાં નેતૃત્વનો ગુણ, સંગીતના વાજિંત્રનો ઉપયોગ, ભક્તિભાવ, સમયપાલન, નાણાંકીય વ્યવહાર, એકબીજા સાથે મિત્રતાનો સંબંધ જેવા ગુણો અનાયસે તેમનામાં વિકસતા જોવા મળતાં હોય છે.

વાલીઓના પ્રતિભાવો પણ હકારાત્મક જણાયા હતા. તેમને પણ બાળકોને આ દિવસો દરમ્યાન કોઈ પણ જગ્યાએ બાળકો હરવા ફરવા માટે કોઈપણ પ્રકારની માંગણી કરી ન હતી.







 Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.

 જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.

 આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 

વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.


Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળ્યા બાદ તરત જ, તત્કાલિન બૃહદ મુંબઇ રાજ્યના એક સમયના 'અંધારિયા મુલક' તરીકે ઓળખાતા,  આહવાના ઐતિહાસિક 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭ મો સ્થાપના દિન ઉજવાઈ ગયો.

દેશના તત્કાલિન ગૃહ પ્રધાન અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નદ્રષ્ટા સ્વ. સરદાર સાહેબ, અને 'વેડછી ના વડલા' તરીકેની ખ્યાતિ ધરાવતા સ્વ.જુગતરામ કાકાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં સેવા અને શિક્ષણની જ્યોત જગાવતા 'બંધુ ત્રિપૂટી' એવા નાયક બંધુ સ્વ. ધીરુભાઈ, છોટુભાઈ, અને ઘેલુભાઇ નાયકે આદરેલા 'સેવા યજ્ઞ' ના માધ્યમ એવા 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭મો સ્થાપના દિવસ તા.૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો.

આ વેળા આશ્રમના વર્તમાન સંચાલકોએ વડીલોએ ચીંધેલા સેવા અને શિક્ષણના પથ પર આગળ વધવાની પ્રતિબદ્ધતા સાથે, સૌને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.  બંધુ ત્રિપુટી ઉપરાંત આશ્રમને અકિંચનોની સેવાનુ માધ્યમ બનાવતા 'દાંડી ના દિવડા' એવા કર્મશીલ સ્વ.ગાંડા કાકાના સફળ સંચાલનને પણ સૌએ યાદ કરી, તેમને પણ શબ્દપુષ્પ અર્પણ કર્યા હતા.

ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે વહેલી સવારે ૭:૩૦ થી ૮:૩૦ વાગ્યા દરમિયાન પ્રભાત ફેરી, ત્યાર બાદ સવારે ૯ વાગ્યે 'સ્મૃતિ કુંજ' ખાતે પૂષ્પાંજલિ, સમૂહ પ્રાર્થના, અને ભજન. ત્યાર બાદ 'ઝૂંપડી સમાધિ સ્થળ' ખાતે કુટુંબીજનો અને પરિવારજનો દ્વારા વડીલોને ભાવ અંજલિ, અને ૧૦:૩૦ વાગ્યાથી 'ટિમ્બર હોલ' ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્યાર બાદ રાષ્ટ્ર ગાન વિગેરેનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં આશ્રમ પરિવારના લોકો જોડાયા હતા.

દરમિયાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આહવાના ડૉ.એ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ પરિવારના શ્રી કેતનભાઈ પટેલે સંસ્થાનો ઈતિહાસ ઉજાગર કર્યો હતો. જ્યારે સંસ્થા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન નાયક અને ઉપ પ્રમુખ શ્રી વનરાજભાઈ નાયકે પણ સંસ્થા વિશેની પૂરક માહિતી રજૂ કરી હતી. વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવાના ભાઈઓ અને બહેનોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. સંસ્થાની કન્યા છાત્રાલયની બહેનોએ પણ કાર્યક્રમમો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ ચોર્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શ્રી યોગેશભાઈ માછી દ્વારા કરવામાં આવી હતી.  

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                   



          ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે. 
             સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલે કે ઉમદા હેતુ માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવાનું આ શિક્ષકમિત્રો પાસેથી શીખવા જેવું છે. સંકલ્પ ગૃપના નેજા હેઠળ સભ્યો વોટ્સએપ ગ્રુપ થકી ડિજીટલ ટેકનોલોજીનો સાર્થક ઉપયોગ કરી જરૂરતમંદ વિદ્યાર્થીઓ, નાગરિકોને આર્થિક મદદ કરી રહ્યા છે. સમાજમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદરૂપ કુલ ૧૦ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાં ૧૦૨૪ સભ્યો સમાવિષ્ટ છે. સમાજસેવાના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત આ જાગૃત્ત સેવાભાવી નાગરિકોના સમૂહે આજ સુધી ૬૭ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.૧૨ લાખથી વધુની આર્થિક મદદ કરી છે. 
               મિનેષભાઈ કહે છે કે,  શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી. નવી પેઢીને શિક્ષણ આપીશું તો જ સમાજને તેજસ્વી, સભ્ય અને હોનહાર નાગરિકો મળશે. બાળક ભણવામાં હોશિયાર હોય પણ ફી ભરવામાં સમસ્યા હોય તો અમે એવા બાળકોની માહિતી મેળવીને આર્થિક મદદ કરીએ છીએ. એકવાર જનજાગૃતિ આવશે પછી આવા સેવાકાર્ય માટે નાના લોકો પણ જરૂરતમંદોની મદદ માટે આગળ આવશે.  સાથે આદિવાસી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ યોજનાથી પણ વાકેફ કરીને સરકાર અને સહકારના સંયોગ વડે આદિવાસી વિસ્તારના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહયા છે.


 Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.


તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.

જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
















 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો.


કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા, 

શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ  કારોબારી સભ્ય હર્ષદભાઈ  ઉપસ્થિત રહ્યા હતા 

સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો 

તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓએ હવે જિલ્લા કક્ષાએ જે તે સ્પર્ધામાં પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરશે 

આમ ઉપરોક્ત ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ એકંદરે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો જેમાં શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હતો શાળા સંચાલક મંડળે કાર્યક્રમને ખૂબ જ સુચારુ અને સુવિવસ્થિત રીતે પૂરો કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.








ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત 

 ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા.

ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે...

Posted by Naresh Patel on Sunday, August 25, 2024